વલસાડના દરિયાકાંઠે વધતા ધોવાણથી ગામજનોમાં રોષ, પ્રોટેક્શન વોલની માંગ ઉગ્ર બની
વલસાડના દરિયાકાંઠે વધતા ધોવાણથી ગામજનોમાં રોષ, પ્રોટેક્શન વોલની માંગ ઉગ્ર બની
છેલ્લા 15 વર્ષમાં 400 એકરથી વધુ જમીન દરિયામાં ગરકાવ થયાનો ગ્રામજનોનો દાવો; જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને આવેદન
વલસાડ : વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વધી રહેલા દરિયાઈ ધોવાણને કારણે સ્થાનિક ગામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના ગામોના લોકોએ વલસાડ ભાજપ કાર્યાલયે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને આવેદન પાઠવી રક્ષણાત્મક પ્રોટેક્શન વોલનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી.
વલસાડ જિલ્લાના દાંડી, કાકવાડી, ભાગલ, નાની ભાગલ, દાંતી અને માલવણ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દર વર્ષે દરિયાઈ મોજાના કારણે મોટા પાયે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 વર્ષમાં 400 એકરથી વધુ જમીન દરિયામાં ગરકાવ થઈ ચૂકી છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે અગાઉ રૂ. 26.75 કરોડથી વધુનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ગ્રાન્ટ અન્યત્ર વાપરી નાખવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરિયાની સપાટી જમીન કરતાં ઊંચી હોવાથી સમયસર રક્ષણાત્મક દિવાલ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરાસણા, છરવાડા, માલવણ અને ડુંગરી સુધીના વિસ્તારોમાં દરિયાનું પાણી પ્રવેશવાની ગંભીર ભીતિ છે.
દરિયાકાંઠાના ગામોમાં પ્રોટેક્શન વોલના અભાવે વર્ષોથી ધોવાણ થતું રહેતા કેટલાક લોકોએ સ્થળાંતર પણ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સ્થાનિક માછીમારો અને ગામલોકો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને આવેદન પાઠવ્યું હતું અને દરિયાઈ ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી.

