અરબી સમુદ્રમાં ઝડપાયેલા 3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં નારગોલ દરિયાકિનારે એટીએસની તપાસ
અરબી સમુદ્રમાં ઝડપાયેલા 3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં નારગોલ દરિયાકિનારે એટીએસની તપાસ
ભારતીય સુરક્ષા એજન્સીએ લક્ષદ્વીપ પાસેથી ઈરાની બોટમાં 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા
વલસાડ : ભારતીય સુરક્ષા એજન્સીએ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસેથી શંકાસ્પદ ઈરાની બોટમાંથી અંદાજે 3 હજાર કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. આ બોટને વધુ તપાસ માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ દરિયાકિનારે લાવવામાં આવતાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
બોટની તપાસ દરમિયાન તેમાંથી 526 કિલો હેરોઇન અને મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતું. સુરક્ષા એજન્સીએ બોટને કબજે લઈ તેના પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બોટને મુંબઈ લઈ જવામાં આવી હતી અને વધુ તપાસ માટે નારગોલ દરિયાકિનારે લાવવામાં આવી હતી.
ગુજરાત એટીએસની ટીમે પકડાયેલી બોટને નારગોલ દરિયાકિનારે સુરક્ષિત રીતે રાખી છે. બોટની સુરક્ષા અને દેખરેખની જવાબદારી વલસાડ એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમને સોંપવામાં આવી છે. બોટની અંદર અને બહાર તપાસ કરવાની સાથે તેના દસ્તાવેજો, સાધનો અને અન્ય સામગ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછના આધારે ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, બોટનું ગંતવ્ય કયું હતું અને તેની પાછળ કયા નેટવર્કની સંડોવણી છે તે સહિતના મહત્વના મુદ્દાઓ તપાસ હેઠળ છે.
સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી સામે નજર વધુ કડક બનાવી છે. હાલ સમગ્ર મામલે એટીએસ અને પોલીસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

