બીલીમોરામાં શ્રાવણના અંતિમ સોમવારે યાત્રાળુઓ માટે વિવિધ સંગઠનોનો સેવાયજ્ઞ
બીલીમોરામાં શ્રાવણના અંતિમ સોમવારે યાત્રાળુઓ માટે વિવિધ સંગઠનોનો સેવાયજ્ઞ
ફરાળી નાસ્તા અને છાશનું વિતરણ કરી યાત્રાળુઓને રાહત, સેવાભાવ સાથે માનવ કલ્યાણનો સંદેશ
બીલીમોરા : શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી વિવિધ શિવમંદિરો તરફ જતા જોવા મળ્યા હતા. દૂરદૂરના વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આસ્થાભેર પગપાળા યાત્રા કરી મહાદેવના દર્શન માટે પહોંચતા હોય છે.
યાત્રાળુઓની સુવિધા અને સેવા માટે વિવિધ સંગઠનો દ્વારા સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યાત્રાળુઓને ફરાળી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દિવસ દરમિયાન પડતી ગરમીને ધ્યાનમાં રાખીને સ્ટેશન બાળ હનુમાન મંદિર ખાતે છાશનું વિતરણ કરી યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોને ગરમીમાં રાહત પહોંચાડવામાં આવી હતી.
વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલી આ સેવાપ્રવૃત્તિઓમાં સેવા ભાવના સાથે માનવ કલ્યાણનો સંદેશ પણ જોવા મળ્યો હતો. “માનવ કલ્યાણ એ જ સાચું પુણ્ય” એવા ભાવ સાથે સંગઠનોના કાર્યકરોએ યાત્રાળુઓની સેવા કરી પોતાની આસ્થા અને સામાજિક જવાબદારી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, સંગઠનોના કાર્યકરો દ્વારા યાત્રાળુઓને જરૂરી સહાય અને સુવિધા મળી રહે તે માટે પણ સતત સેવા આપવામાં આવી હતી. શ્રાવણ માસના અંતિમ સોમવારે યોજાયેલી આ સેવાપ્રવૃત્તિઓથી યાત્રાળુઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી.

