બીલીમોરાની શાળામાં ફાયર સેફટીનું પ્રાયોગિક માર્ગદર્શન
બીલીમોરાની શાળામાં ફાયર સેફટીનું પ્રાયોગિક માર્ગદર્શન
ફાયર ફાઈટર વાહનનું નિદર્શન અને મોક ડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓને આગ અને આપત્તિ સમયે સુરક્ષા અંગે માર્ગદર્શન
બીલીમોરા : વર્તમાન સમયમાં આગ સહિતની વિવિધ આપત્તિઓ સામે સાવચેતી અને સુરક્ષા અંગેની જાણકારી અત્યંત જરૂરી બની છે. વિદ્યાર્થીઓમાં ફાયર સેફટી તથા આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી બીલીમોરા નગરપાલિકા અને બીલીમોરા ફાયર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બીલીમોરા નગરપાલિકા સંચાલિત શેઠ એન.સી.એમ. કન્યા વિદ્યાલય તથા જી.એન.એમ.આર. રોહા હાઈસ્કૂલ ખાતે ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. દક્ષાબેન પટેલના સ્વાગત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે બીલીમોરા ફાયર સ્ટેશનના મિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આગ સહિતની વિવિધ આપત્તિઓ સમયે રાખવાની સાવચેતી, સલામતીના જરૂરી પગલાં તેમજ કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના મેદાનમાં ફાયર ફાઈટર વાહનનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવાના વિવિધ ઉપાયો, ફાયર સેફટી સાધનોનો યોગ્ય ઉપયોગ તથા આગ લાગવાના સંજોગોમાં બચાવ કામગીરી અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી.
આ સાથે મોક ડ્રિલ યોજી આગની પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા હાથ ધરાતી કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા વિદ્યાર્થીઓને કટોકટીની સ્થિતિમાં ગભરાયા વિના સલામત રીતે કેવી રીતે પ્રતિસાદ આપવો તે સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે વધુમાં વધુ માહિતી મેળવવા તેમજ આ જાગૃતિ પોતાના પરિવાર, વાલીઓ અને સમાજ સુધી પહોંચાડવા પ્રેરિત કર્યા હતા.
આવા પ્રાયોગિક કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય રીતે સામનો કરવાની સમજ વિકસે છે. સાથે જ સલામતીના નિયમોનું પાલન અને આપત્તિના સમયે અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના પણ કેળવાય છે.
કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગના આચાર્ય અમીષાબેન પટેલે નગરપાલિકાના પ્રતિનિધિઓ, ફાયર સ્ટેશનની ટીમ, શાળા પરિવાર તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

