ધરમપુરના અભિનાથ ગઢ–વરૂણદેવ દેવસ્થાનકનું મૂળ સ્વરૂપ જાળવી પ્રવાસન વિકાસ કરવા રજૂઆત
ધરમપુરના અભિનાથ ગઢ–વરૂણદેવ દેવસ્થાનકનું મૂળ સ્વરૂપ જાળવી પ્રવાસન વિકાસ કરવા રજૂઆત
ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રવાસન વિભાગને પત્ર લખ્યો; ટ્રાયબલ કલ્ચરલ એન્ડ ઇકો-ટુરિઝમ સાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાની માંગ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોળ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અભિનાથ ગઢ–વરૂણદેવ દેવસ્થાનકને તેનું મૂળ સ્વરૂપ જાળવીને ટ્રાયબલ કલ્ચરલ એન્ડ ઇકો-ટુરિઝમ તરીકે તબક્કાવાર વિકસાવવા રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલય તથા પ્રવાસન વિભાગને આ અંગે વિસ્તૃત પત્ર પાઠવ્યો છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, વરૂણદેવ મંદિર સ્થાનિક આદિવાસી સમાજની લોકઆસ્થા, પરંપરા, પ્રકૃતિ તથા વરસાદ અને જળ સાથે સંકળાયેલી સાંસ્કૃતિક માન્યતાઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેથી દેવસ્થાનકને ભવ્ય કોંક્રીટના માળખામાં પરિવર્તિત કર્યા વિના તેનું મૂળ સ્વરૂપ યથાવત રાખીને આસપાસ જરૂરી સુવિધાઓ વિકસાવવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં અભિનાથ ગઢના કુદરતી વ્યુ-પોઇન્ટ પર સુરક્ષિત રેલિંગ, શ્રદ્ધાળુઓ માટે ભોજનાલય અથવા પ્રસાદ હોલ, રહેવાની સુવિધા, રસોડું, મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, ઉદ્યાન, તળાવ, કચરાપેટીઓ તથા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરાઈ છે. કુદરતી વાતાવરણને નુકસાન ન થાય તે રીતે સોલાર લાઇટિંગ, કચરા વ્યવસ્થાપન, પગદંડી અને પાથવે લાઇટિંગની સુવિધાઓ વિકસાવવા પણ સૂચવાયું છે.
સ્થાનિક આદિવાસી સમાજની હસ્તકલા, વાંસની વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે શેડ બનાવી મહિલાઓ તથા યુવાનો માટે સ્વરોજગારની તકો ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. વરૂણદેવની પૂજા અને આદિવાસી સંસ્કૃતિની જાણકારી આપતું માહિતી તથા અર્થઘટન કેન્દ્ર અને બહુભાષી માહિતી બોર્ડની સુવિધા પણ રજૂઆતમાં સામેલ છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, સંબંધિત વિભાગો સંયુક્ત સર્વે કરીને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરે અને પ્રોજેક્ટને મંજૂરી આપે તો આ સ્થળ દક્ષિણ ગુજરાતનું મહત્વપૂર્ણ ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામ બની શકે છે. આ વિકાસથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે.
આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ, માજી ઉપસરપંચ કાળુભાઈ, અનિલભાઈ, સૂરજભાઈ, પંચાયત સભ્ય ગુલાબભાઈ, રામજીભાઈ, મુકેશભાઈ, સવિતાબેન, કાર્તિક, રાકેશભાઈ, ધર્મેશભાઈ, ભાવેશ અને નરેશભાઈ સહિતના આગેવાનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

