ધરમપુરના મોહનગઢ ડુંગર પર આદિવાસી સમાજના પરંપરાગત પૂજાના હકો અંગે મુખ્યમંત્રીને રજૂઆત
ધરમપુરના મોહનગઢ ડુંગર પર આદિવાસી સમાજના પરંપરાગત પૂજાના હકો અંગે મુખ્યમંત્રીને રજૂઆત
ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને પત્ર લખી સંયુક્ત તપાસ, ગ્રામસભા અને પૂજા માટે લેખિત વ્યવસ્થાની માંગ કરી
વલસાડ : ધરમપુર તાલુકાના આસુરા ગામના મોહનગઢ ડુંગર પર આવેલાં માવલી માતાજી, બરામદેવ તથા હનુમાન દાદાના પરંપરાગત આદિવાસી તેમજ હિંદુ ધાર્મિક સ્થાનક અંગે સમસ્ત આદિવાસી સમાજના યુવા નેતા અને સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત પત્ર લખીને કાયદેસર અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
પત્રમાં જણાવાયું છે કે આસુરા ગામની હદમાં આવેલા મોહનગઢ ડુંગર સાથે સ્થાનિક આદિવાસી સમાજની પેઢીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા જોડાયેલી છે. પત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી અહીં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં વેદના અને આક્રોશ છે. શરૂઆતનાં વર્ષોમાં ટ્રસ્ટ દ્વારા પૂજાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પ્રવેશ બંધ કરી દેવાયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆતમાં સરકાર દ્વારા સંયુક્ત તપાસ સમિતિની રચના કરીને જૂના ૭/૧૨, ૮-અ, ગામ નમૂના નં. ૬ તથા વન વિભાગના દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરાઈ છે. ધરમપુર અનુસૂચિત વિસ્તારમાં આવતું હોવાનું જણાવી, પેસા સંબંધિત જોગવાઈઓ અને વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ હેઠળ ગ્રામસભા બોલાવી આદિવાસી સમાજના પરંપરાગત સાંસ્કૃતિક અને સામુદાયિક અધિકારોનું સંરક્ષણ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, ગ્રામજનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજીને આવાગમન અને પૂજા માટે લેખિત કાર્યપદ્ધતિ (એસઓપી) બનાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬ હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંગે તટસ્થ કાનૂની ચકાસણી કરવા જણાવાયું છે.
ડો. નિરવ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ રજૂઆતનો હેતુ કોઈ સંસ્થા સામે વિવાદ ઊભો કરવાનો નથી. પરંપરાનું સંરક્ષણ, કાયદાનું પાલન, સૌનું સન્માન અને શાંતિપૂર્ણ ઉકેલના સિદ્ધાંત સાથે આદિવાસી સમાજની આસ્થાનું કાયદેસર સંરક્ષણ કરવાનો હેતુ છે. શ્રદ્ધાળુઓની લાગણીઓને માન આપીને મુખ્યમંત્રી સ્થાનિક તંત્રને સમયબદ્ધ કાર્યવાહી માટે આદેશ આપે તેવી માંગ કરવામાં આવી છે.

