તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

ડુંગરીના સુથારવાડમાં રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ

ડુંગરીના સુથારવાડમાં રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ

South Republic DeskMonday, 28 September 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નંદઘરનું લોકાર્પણ; કુપોષણમાંથી મુક્ત બાળકોને પ્રોત્સાહક ભેટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી બહેનોનું સન્માન વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામના સુથારવાડ ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના હસ્તે રૂ. ૧૨ લાખના ખર્ચે…

મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નંદઘરનું લોકાર્પણ; કુપોષણમાંથી મુક્ત બાળકોને પ્રોત્સાહક ભેટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી બહેનોનું સન્માન

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામના સુથારવાડ ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના હસ્તે રૂ. ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી (નંદઘર)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કચ્છના ધરતીકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળીને વિકાસને નવી દિશા આપી હતી. મહિલા અને બાળકોના વિકાસ માટે અલગ વિભાગ શરૂ કરીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી. બાળકોના શિક્ષણ અને શિસ્તના ઘડતરમાં શાળા પ્રવેશોત્સવ તથા આંગણવાડી બહેનોની ભૂમિકાને તેમણે બિરદાવી હતી.

મંત્રીએ બાળકોના પોષણની સાથે સ્વચ્છતા, આરોગ્ય અને શિસ્ત ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી. તેમણે આંગણવાડી બહેનો અને પ્રોગ્રામ ઓફિસરોને બાળકોના માતા-પિતા સાથે સમયાંતરે મુલાકાત કરીને પોષણ અંગે સમજણ આપવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું, જેને આગામી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૨૫ વર્ષ પૂર્ણ થશે. તેમના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જણાવી તેમણે સૌને ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

વલસાડ જિલ્લા આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલે માતા-પિતાને બાળકોને બહારના પેકેટવાળા ખાદ્યપદાર્થોને બદલે ઘરે બનાવેલો પૌષ્ટિક આહાર આપવા અપીલ કરી હતી. તેમણે વધુ ખાંડ, મીઠું અને તેલ ધરાવતા ખાદ્યપદાર્થોના નિયમિત સેવનથી બાળકોના પોષણ અને આરોગ્ય પર થતી અસરો અંગે સમજણ આપી હતી.

ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડુંગરી ગામની છ આંગણવાડીઓમાં સુવિધાઓની ઘટ અંગે મંત્રીનું ધ્યાન દોર્યા બાદ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પોણિયા ફળિયા ખાતે નવી આંગણવાડી પણ મંજૂર થઈ છે. તેમણે મંત્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગામના અનેક બાકી કામો પૂર્ણ થયાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી અને તેડાગર બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કુપોષણમાંથી મુક્ત થયેલા બાળકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. વ્હાલી દીકરી, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રીના સંદેશનું વાંચન તથા ટીએચઆરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ માસ નિમિત્તે ઉપસ્થિતોએ પોષણ શપથ પણ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્યો મહેન્દ્ર પટેલ, પ્રિયા પટેલ અને કીર્તિબેન, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ભગોરા, જિલ્લા સંગઠન મંત્રી મુકેશભાઈ પટેલ તથા તાલુકા સંગઠનના માજી પ્રમુખ મહેશ દેસાઈ સહિત ગામના આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આભારવિધિ પારડી ઘટક-૨નાં બાળ વિકાસ યોજના અધિકારી રીટાબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત શિક્ષક જગદીશ પટેલે કર્યું હતું.

આજનું ઈ-પેપર વાંચો