ગણદેવી તાલુકાના ઊંડાચ ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
ગણદેવી તાલુકાના ઊંડાચ ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
૨૭૧ લાભાર્થીઓએ નિદાન-સારવારનો લાભ લીધો; આયુષ પદ્ધતિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું
નવસારી : નવસારી જિલ્લામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિના પ્રચાર-પ્રસાર તથા લોકજાગૃતિના હેતુથી ઊંડાચ લુહાર ફળીયા ખાતે આયુષ મેગા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો.
આ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા નિદાન-સારવાર ઉપરાંત પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, યોગ માર્ગદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગે માર્ગદર્શન, ઔષધિ વિતરણ તથા ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોષણ માસ અંતર્ગત સ્વસ્થ જીવનશૈલી અંગે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યોગ નિદર્શન સહિત વિવિધ આયુષ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ કેમ્પમાં કુલ ૨૭૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. નવસારી આયુર્વેદ શાખા દ્વારા ગ્રામજનોને આયુષ પદ્ધતિ તથા સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

