તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

હાઈટેન્શન લાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ

હાઈટેન્શન લાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ

South Republic DeskTuesday, 08 September 2026 2 મિનિટ વાંચન · 42 min ago 0
ધરમપુર-કપરાડા સહિતના અસરગ્રસ્ત ખેડૂતોની 200 ટકા વળતર, વૃક્ષોના નુકસાન અને રસ્તા સમારકામની માંગ વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા સહિતના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતી પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની હાઈટેન્શન વીજ લાઈનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય અને સંપૂર્ણ વળતર ન મળ્યાનો આક્ષેપ કરી મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો…

ધરમપુર-કપરાડા સહિતના અસરગ્રસ્ત ખેડૂતોની 200 ટકા વળતર, વૃક્ષોના નુકસાન અને રસ્તા સમારકામની માંગ

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા સહિતના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતી પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની હાઈટેન્શન વીજ લાઈનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યોગ્ય અને સંપૂર્ણ વળતર ન મળ્યાનો આક્ષેપ કરી મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો તથા સ્થાનિક આગેવાનો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારના પરિપત્ર મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી.

વારોલી ગામના ડેપ્યુટી સરપંચ સુમનભાઈ ગાવિતે જણાવ્યું હતું કે, ખેડૂતો સરકાર કે કંપનીનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ 4 જુલાઈ 2026ના સરકારી પરિપત્ર મુજબ યોગ્ય વળતર મળે તેવી તેમની મુખ્ય માંગ છે. તેમના જણાવ્યા મુજબ કંપની દ્વારા પાક અને વૃક્ષોના નુકસાનનું આંશિક વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ વીજ ટાવરના કેચમેન્ટ એરિયા અને રાઈટ ઓફ વે કોરિડોર માટેનું સંપૂર્ણ વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી.

સ્થાનિક અગ્રણી કિશન ગાવિતે આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોને પૂરતી નોટિસ અને માહિતી આપ્યા વિના વીજ લાઈન ચાલુ કરી દેવામાં આવી છે. જમીનમાંથી વીજ લાઈન પસાર થવાથી ખેડૂતોની જમીનના ઉપયોગ પર પણ અસર પડી રહી છે. હાઈટેન્શન લાઈનની નીચે બાંધકામ, મકાન કે બાગાયત જેવી પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી ઊભી થતી હોવાથી જમીનના બજાર મૂલ્યમાં ઘટાડો થવાની ખેડૂતોની રજૂઆત છે.

આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા વીજ ટાવર-પોલના પ્લેસમેન્ટ એરિયા અને RoW કોરિડોર માટે જમીનની વર્તમાન બજાર કિંમતના 200 ટકા મુજબ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જમીનના ઘટેલા મૂલ્યનું અલગથી વળતર નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

વનાધિકાર હેઠળ મળેલી જમીન પરના સાગ સહિતના કિંમતી વૃક્ષો કાપવામાં આવ્યા હોવા છતાં વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ કરી તેનું તાત્કાલિક ચુકવણું કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીના ભારે વાહનો અને મશીનરીના કારણે ખરાબ થયેલા ગામના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવા તેમજ CSR ફંડ હેઠળ સ્થાનિક વિસ્તારમાં વિકાસકામો હાથ ધરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આજનું ઈ-પેપર વાંચો