કપરાડામાં વીજ અકસ્માતે બે આદિવાસી શ્રમિકોનાં મોત: ઉચ્ચસ્તરીય તપાસ અને પરિવારોને કુલ ૫૦ લાખની સહાયની માંગ
કપરાડામાં વીજ અકસ્માતે બે આદિવાસી શ્રમિકોનાં મોત: ઉચ્ચસ્તરીય તપાસ અને પરિવારોને કુલ ૫૦ લાખની સહાયની માંગ
વાવર ગામે ડીજીવીસીએલની કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટના અંગે ડૉ. નિરવ પટેલનું આવેદનપત્ર; ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર અને વીજકામોના સેફટી ઓડિટની માંગ
કપરાડા : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે ગત ૨૪મી સપ્ટેમ્બરે ડીજીવીસીએલની વીજપોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન સર્જાયેલા વીજ અકસ્માતમાં બે આદિવાસી શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના અંગે ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટર અને કપરાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ તથા પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ કરી છે.
વાવર ગામે વીજપોલ ઊભો કરતી વખતે તે હાઈ-ટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં અનેક શ્રમિકોને કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં સુરેશ પવાર અને સાગર સરનાયક નામના બે આદિવાસી શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ડૉ. નિરવ પટેલે બંને મૃતક શ્રમિકોના આશ્રિત પરિવારોની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક પરિવારને ૨૫ લાખ રૂપિયા લેખે કુલ ૫૦ લાખ રૂપિયાની વિશેષ આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત કાયદાકીય વળતર અને વીમાની રકમ અલગથી અપાવવા પણ રજૂઆત કરી છે.
ઈજાગ્રસ્ત તમામ શ્રમિકોની સરકારી અથવા માન્ય હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર, સર્જરી અને દવાઓનો ખર્ચ સરકાર ભોગવે તથા ગંભીર ઈજાગ્રસ્તોને યોગ્ય વળતર અને પુનર્વસન સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મૃતક શ્રમિકોના પરિવારોની સ્થિતિનો સર્વે કરીને લાયકાત મુજબ પરિવારના એક સભ્યને સરકારી સહાય અથવા કૌશલ્ય આધારિત રોજગાર પેકેજ સાથે જોડવા પણ રજૂઆત કરાઈ છે.
આવેદનપત્રમાં કપરાડાના આદિવાસી વિસ્તારમાં ચાલતાં ડીજીવીસીએલનાં તમામ કામોનું તાત્કાલિક ઇલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરવા અને ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી જોખમી કામગીરી અટકાવવાની માંગ કરવામાં આવી છે. આ કામ કઈ કંપની કે કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું, વર્ક ઓર્ડરની શરતો શું હતી તથા શ્રમિકોની સુરક્ષા માટે કઈ જોગવાઈઓ હતી તેની વિગતો જાહેર કરવા પણ જણાવાયું છે.
આદિવાસી વિસ્તારોના શ્રમિકો રોજગારી માટે કોન્ટ્રાક્ટ આધારિત જોખમી કામો પર નિર્ભર હોવાથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરાઈ છે. ડીજીવીસીએલ તથા તમામ સરકારી વીજકામોમાં તાલીમ, વ્યક્તિગત સુરક્ષા સાધનો (પીપીઈ), લાઇન ક્લિયરન્સ, શટડાઉન, દેખરેખ અને વીમા સહિતની ફરજિયાત જોગવાઈઓ ધરાવતો ‘ટ્રાઈબલ એરિયા વર્કર સેફટી પ્રોટોકોલ’ તાત્કાલિક લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે.

