માસા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે આધેડનું મોત
માસા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે આધેડનું મોત
ઝાડા-ઉલટી બાદ તબિયત લથડતાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 43 વર્ષીય વ્યક્તિનું મોત
બીલીમોરા : ગણદેવી તાલુકાના માસા ગામે ફૂડ પોઈઝનિંગના કારણે આધેડનું મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના માસા ગામના પટેલ ફળિયામાં રહેતા દીક્ષિતભાઈ ગોપાલભાઈ પટેલ (ઉ.વ. 43) ગત 28મી ઓગસ્ટની રાત્રે ઘરે ભોજન કર્યા બાદ સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેમને અચાનક ઝાડા-ઉલટી શરૂ થતાં તબિયત લથડી હતી.
પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટરોએ દીક્ષિતભાઈની તપાસ કરી વિવિધ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં ફૂડ પોઈઝનિંગનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે ગણદેવી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈને સોંપી છે.

