પારડીના ખેરલાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
પારડીના ખેરલાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
અંબાચ, ડુમલાવ, રોહિણા, બરઈ સહિત આસપાસનાં ગામોને ઝડપી ઈમરજન્સી સેવાનો લાભ; અકસ્માત, સર્પદંશ, ગંભીર બીમારી અને પ્રસૂતિ જેવી પરિસ્થિતિમાં મળશે સહાય
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી ખેરલાવ ઉપરાંત અંબાચ, ડુમલાવ, રોહિણા, બરઈ સહિત આસપાસનાં ગામોના નાગરિકોને ઈમરજન્સીના સમયે ઝડપી અને સમયસર આરોગ્ય સેવા મળી રહેશે.
ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ મયંક પટેલે ગામની આરોગ્યલક્ષી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર સમક્ષ ૧૦૮ સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. સતત અનુસરણ અને સંકલનના પરિણામે ગામને આ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે સરપંચ મયંક પટેલે જણાવ્યું હતું કે, ખેરલાવ અને આસપાસનાં ગામોના નાગરિકોને ઈમરજન્સીના સમયે સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે આ સુવિધાની માંગ કરવામાં આવી હતી. હવે સેવા ઉપલબ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો સીધો લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આકસ્મિક ઘટના, સર્પદંશ, ગંભીર બીમારી અને પ્રસૂતિ સહિતની તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ બની રહેશે. આ સુવિધાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અદિતિ પટેલ, પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિરેન પટેલ, બરઈના સરપંચ અશોક પટેલ તેમજ સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૮ સેવાની ટીમ તરફથી ઈએમઈ દિલીપ વસાવા, ફ્લીટ હિતેશ રાઠોડ, ઈએમટી ભક્તેશ પટેલ તથા પાઈલોટ હેમંત પટેલ હાજર રહ્યા હતા.

