તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
સુરત

રક્ષાબંધન પર માનવતાની સૌથી ભાવુક ક્ષણ - એક હૃદયે બે પરિવારોને બાંધી દીધા

સ્વર્ગવાસ ભાઈની યાદો અને ધબકારા સાથે નિધિએ રવિરાજને બાંધી રાખડી

સાઉથ રિપબ્લિક બ્યુરોSunday, 30 August 2026 2 મિનિટ વાંચન · 45 days ago 0
રાખડી તો રવિરાજના હાથ પર બંધાઈ, પણ તેની લાગણી સીધી શૈશવના હૃદય સુધી પહોંચી ગઈ

સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રેમ, લાગણી અને માનવતાની એક એવી અનોખી ઘટના બની, જેણે દેશભરના હૃદયને સ્પર્શી લીધું. ગત 18મી માર્ચ-2023 ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. દુઃખની ઘડીમાં પણ પટેલ પરિવારે અદમ્ય હિંમત દાખવી, ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેથી સ્વ. શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલમાં માર્ચ-2023 માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિરાજના શરીરમાં આજે શૈશવનું હૃદય ધબકી રહ્યું છે.

રક્ષાબંધનના પવિત્ર દિવસે એક એવું દ્રશ્ય સર્જાયું જેણે હાજર સૌની આંખો ભીની કરી દીધી. સ્વ. શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતથી તેની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ગામે પહોંચી હતી. જ્યાં હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો લઈને જ્યારે નિધિએ રવિરાજને રાખડી બાંધી, ત્યારે ખુશી અને ગમના આંસુ એકસાથે વહી નીકળ્યા.

જેની સાથે રવિરાજે પણ ભાવુક થઈ કહ્યું, "સ્વ. શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે. નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે. શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે."

જયારે નિધિએ રડતા-રડતા કહ્યું, "મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે. તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે."

ડોનેટ લાઈફના સંસ્થાપક અને પદ્મશ્રી થી સમ્માનિત નીલેશ માંડલેવાલાએ જણાવ્યું, “આ માત્ર રક્ષાબંધન નથી, માનવતાના અતૂટ સંબંધની ઉજવણી છે. સ્વ. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે જે લોહીના સંબંધથી પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન નથી બચાવતું, તે સંબંધોને નવી ઓળખ આપે છે.”

ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધીમાં 1395 અંગો અને ટીસ્યુઓના દાનથી 1286 લોગોને નવું જીવન અને નવી દ્રષ્ટિ મળી છે. જેમાં 558 કિડની, 244 લિવર, 59 હૃદય, 56 ફેફસાં અને 456 ચક્ષુઓનો સમાવેશ થાય છે.

આજનું ઈ-પેપર વાંચો