સરીગામમાં ‘સ્વચ્છ તીર્થસ્થાન-પવિત્ર ગુજરાત’ અભિયાન હેઠળ સફાઈ અને જનજાગૃતિ કાર્યક્રમ
સરીગામમાં ‘સ્વચ્છ તીર્થસ્થાન-પવિત્ર ગુજરાત’ અભિયાન હેઠળ સફાઈ અને જનજાગૃતિ કાર્યક્રમ
પીપલેશ્વર મહાદેવ મંદિર આસપાસ 100 મીટર વિસ્તારમાં સફાઈ, ભક્તોને પ્લાસ્ટિક ટાળવા અપીલ સાથે કાપડની થેલીઓનું વિતરણ
વલસાડ : સરીગામ જીઆઈડીસીના પ્લાસ્ટિક ઝોન ખાતે આવેલા પીપલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ‘સ્વચ્છ તીર્થસ્થાન-પવિત્ર ગુજરાત’ અભિયાન અંતર્ગત સફાઈ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જીપીસીબી સરીગામ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ મંદિરની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મંદિર ખાતે આવતા ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ભક્તોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાપડની થેલીઓનું પ્રાયોજકત્વ શુભ સિન્થેટિક્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ જીપીસીબીના અધિકારી ભદ્રેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં યોગેશ ચાપાનેરી, લેતશ પટેલ, મનાલીબેન, અગ્રણી શિવપ્રકાશ સિંહ, વિનોદ સિંહ, વિરેન્દ્રસિંહ, આશિષ સિંઘ, એફઆઇએ પ્રમુખ નિર્મલ દુધાની, સજ્જન મુરારકા, દિલીપ ભંડારી, મનોજભાઈ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માનદ સચિવ આનંદ પટેલ સહિતના આગેવાનો અને સભ્યો પણ જોડાયા હતા.

