તલવાડા ગામમાંથી 9.961 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા
તલવાડા ગામમાંથી 9.961 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા
એસઓજી વલસાડની કાર્યવાહીમાં ₹4.98 લાખનો ગાંજો સહિત કુલ ₹5.83 લાખનો મુદ્દામાલ જપ્ત
ઉમરગામ : વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થો વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ઉમરગામ તાલુકાના તલવાડા વિસ્તારમાંથી 9.961 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે ₹4.98 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરફેર, વેચાણ, સેવન અને સંગ્રહ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત એસઓજી વલસાડની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન અને PSI વાય.પી. હડિયાના નેતૃત્વમાં ભિલાડ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ઉમરગામ તાલુકાના તલવાડા ખાતે નેશનલ હાઇવે-48 પર તલવાડા ઓવરબ્રિજના દક્ષિણ છેડે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ચાર આરોપીઓ પાસેથી 9.961 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ મોમીન ઉર્ફે રેહાન (ઉંમર 29), રાહુલસિંહ (26), ખુન્નૂર આલમ (27) અને સંદીપકુમાર (26)નો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના રહેવાસી હોવાનું તથા હાલ સિલવાસા અને વાપી વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત પાંચ મોબાઇલ ફોન, ગાંજાના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા પાંચ ખાલી પાર્સલ રેપર તેમજ ગાંજાની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી ચાર બેગ સહિત કુલ ₹5,83,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-1985ની કલમ 8(C), 20(B)(II)(B) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર, PSI વાય.પી. હડિયા સહિત SOG વલસાડની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

