ઉમરગામમાં ₹50 લાખના રસ્તાની ગ્રાન્ટને લઈને વિવાદ
ઉમરગામમાં ₹50 લાખના રસ્તાની ગ્રાન્ટને લઈને વિવાદ
ધારાસભ્યની ભલામણથી મંજૂર માર્ગ ખાનગી જમીનમાલિકોને લાભ કરાવશે હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
વલસાડ : ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી વિસ્તારમાં 50 લાખના ખર્ચે મંજૂર કરાયેલા રસ્તાના કામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક આગેવાન રાકેશ રાય સહિત ગ્રામજનોએ આ રસ્તાનું કામ રદ કરવાની માંગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની રજૂઆત કરી છે.
પ્રસ્તાવિત રસ્તો સરીગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી હિરમ્બા કંપનીથી પુનાટ કેનાલ તરફ બનાવવાનો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ માર્ગ પર કોઈ માનવ વસાહત, રહેણાંક વિસ્તાર કે ફળિયું આવેલું નથી. જેના કારણે આ રસ્તાની જાહેર જરૂરિયાત અંગે સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
સર્વગ્રાહી વિકાસ અમલીકરણ સમિતિ (નિર્દિષ્ટ વિસ્તાર સરીગામ) દ્વારા આ રસ્તાના કામ માટે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોનો દાવો છે કે જાહેર નાણાંમાંથી થનારા આ કામનો સીધો લાભ સામાન્ય ગ્રામજનોને મળવાને બદલે કેટલાક ખાનગી પ્લોટ અને જમીનમાલિકોને મળી શકે છે.
જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં આ રસ્તાનું કામ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ભલામણથી મંજૂર થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સરીગામ જીઆઇડીસી માટે જમીન ગુમાવનાર ગ્રામજનો લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમના હિત માટે ઉપલબ્ધ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પ્રાથમિક જરૂરિયાતવાળા વિસ્તારોમાં થવો જોઈએ.
આ ઉપરાંત, પ્રસ્તાવિત માર્ગ નહેર વિસ્તારને અડીને આવતો હોવાથી નહેર વિભાગની જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે અંગે તેમજ રસ્તાના કામની મંજૂરી, ટેકનિકલ પ્રક્રિયા, સ્થળની જરૂરિયાત અને ગ્રાન્ટના ઉપયોગ અંગેના તમામ દસ્તાવેજોની તપાસ કરવાની માંગ ગ્રામજનોએ કરી છે.
સાથે જ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ અટકાવવા અને ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જોકે, રસ્તાના કામ અંગે કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. સમગ્ર મામલે વહીવટી તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
સ્થાનિક આગેવાન રાકેશ રાયે જણાવ્યું હતું કે, જે સ્થળે રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે ત્યાં કોઈ રહેણાંક વિસ્તાર કે માનવ વસ્તી નથી. કરજગામ અને પુનાટના ગ્રામજનોને પણ આ રસ્તાની કોઈ ખાસ જરૂરિયાત નથી. જેથી સ્થાનિક સરપંચો તથા કેટલાક ખેડૂતોએ પણ આ અંગે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે.

