ઉમરગામમાં ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઉમરગામમાં ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
128 જેટલા ગણેશ પંડાલો માટે પોલીસની માર્ગદર્શિકા, કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક જાળવવા સહકારની અપીલ
વલસાડ : આગામી ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉમરગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.ડી. તુવરની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉમરગામ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આ વર્ષે અંદાજે 128 જેટલા ગણેશ પંડાલોમાં ગણેશજીની સ્થાપના થવાની છે. મોટી સંખ્યામાં પંડાલોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગણેશ મંડળોના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડીજે અને સાઉન્ડ સિસ્ટમના ઉપયોગમાં વોઇસ પોલ્યુશનના નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મર્યાદિત અવાજ રાખવા તેમજ આસપાસના રહેવાસીઓ, વૃદ્ધો, બાળકો અને દર્દીઓને કોઈ મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવા આયોજકોને જણાવાયું હતું.
ગણેશ વિસર્જન દરમિયાન નીકળનારા સરઘસ અંગે પણ જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રૂટ દરમિયાન ટ્રાફિક અવરોધિત ન થાય, જાહેર માર્ગો પર અનાવશ્યક ભીડ ન સર્જાય અને પોલીસની સૂચનાઓનું પાલન થાય તે માટે આયોજકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવાર દરમિયાન કોઈ સમસ્યા, વિવાદ અથવા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાય તો કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. નાગરિકો અને ગણેશ મંડળોના સહકારથી ગણેશોત્સવ શાંતિ, સલામતી અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

