વાપી, દમણ, સિલવાસા સહિતના વિસ્તારોમાં સ્નેચિંગ-લૂંટના ગુના આચરનાર 4 આરોપી ઝડપાયા, 4 ગુનાનો ભેદ ઉકેલાયો
વાપી, દમણ, સિલવાસા સહિતના વિસ્તારોમાં સ્નેચિંગ-લૂંટના ગુના આચરનાર 4 આરોપી ઝડપાયા, 4 ગુનાનો ભેદ ઉકેલાયો
200થી વધુ CCTV ફૂટેજની તપાસ બાદ આરોપીઓ ઝડપાયા, 12 મોબાઈલ સહિત કુલ રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબજે
વલસાડ : વાપી જી.આઈ.ડી.સી. પોલીસે બાતમીના આધારે વાપી, દમણ, સિલવાસા સહિતના વિસ્તારોમાં સ્નેચિંગ-લૂંટના ગુના આચરનાર 4 આરોપીઓને ઝડપી પાડી 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત 10મીએ વાપી જી.આઈ.ડી.સી. પંચાલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીની સામે એક બાઈક પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમાં પાછળ બેસેલા ઇસમે એક વ્યક્તિના હાથમાંથી રૂ. 1.40 લાખનો મોબાઈલ ફોન ઝૂંટવી નાસી ગયો હોવા બાબતની ફરિયાદ વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાઈ હતી. જેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળ તેમજ આજુબાજુના વિસ્તારોના 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓની તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસે બાતમીના આધારે વાપીના ધોડિયાવાડ ડુંગરી ફળીયામાં અને વાપી મોરા ગામ વિરેન્દ્ર ઝાની ચાલમાં રહેતા મોહમદ હનીફ ઉર્ફે મુન્ના મોહમદ ઇસ્લામ અંસારી, વલસાડના નાનાપોઢા તાલુકાના લવાછા ગામે ગોદામ ફળીયામાં રહેતા આનંદ ઉર્ફે ગુડ્ડા અશોકભાઈ પટેલ, મૂળ યુ.પી.ના ફતેપુર ગામે અને હાલ વલસાડના નાનાપોઢા તાલુકાના લવાછા ગામે રહેતા વિશાલ ઉર્ફે કાલુ મુન્નાલાલ સહાની તેમજ મૂળ એમ.પી. ગ્વાલિયરના તાનસેનનગરમાં અને હાલ વલસાડના નાનાપોઢા તાલુકાના કરમખલ બાલાજી-રો હાઉસમાં રહેતા કરન નરેન્દ્રસિંહ પરિહારને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા વાપી, દમણ, દાદરા નગર હવેલી અને સિલવાસા વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાનું કબૂલતા વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકના 2 ગુના, વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને નાનાપોઢા પોલીસ મથકે નોંધાયેલા એક-એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3.65 લાખના 12 મોબાઈલ, રૂ. 1 લાખની બાઈક અને રૂ. 50 હજારની મોપેડ (નં. GJ-15-EP-1702) મળી કુલ રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ઝડપી પાડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં આરોપી મોહમદ હનીફ ઉર્ફે મુન્ના વિરુદ્ધ ગુજરાત, દાદરા નગર હવેલી અને યુ.પી.ના વિવિધ પોલીસ મથકોમાં 25 ગુનાઓ નોંધાયેલા છે. આરોપી આનંદ ઉર્ફે ગુડ્ડા વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે 2 ગુનાઓ તેમજ આરોપી વિશાલ ઉર્ફે કાલુ વિરુદ્ધ સિલવાસા અને ડુંગરા પોલીસ મથકે મળી કુલ 3 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

