તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વાપીમાં 213.60 કરોડ રૂપિયાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 10 વિકાસકામોને મંજૂરી

વાપીમાં 213.60 કરોડ રૂપિયાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 10 વિકાસકામોને મંજૂરી

South Republic DeskTuesday, 15 September 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
બલીઠામાં 50 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે; આઠ વિસ્તારોમાં 165.775 કિ.મી. પાણીની પાઇપલાઇન અને છીરી–છરવાડામાં 44.53 કિ.મી. ભૂગર્ભ ગટર નેટવર્ક વિકસાવાશે વલસાડ : વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ સતીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં શહેરની પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા…

બલીઠામાં 50 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે; આઠ વિસ્તારોમાં 165.775 કિ.મી. પાણીની પાઇપલાઇન અને છીરી–છરવાડામાં 44.53 કિ.મી. ભૂગર્ભ ગટર નેટવર્ક વિકસાવાશે

વલસાડ : વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષ સતીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં શહેરની પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના કુલ રૂ. 213.60 કરોડના 10 મહત્વપૂર્ણ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.

મંજૂર થયેલા મુખ્ય કામોમાં બલીઠા ખાતે 50 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વિવિધ વિસ્તારોમાં નવી પાણી પુરવઠા પાઇપલાઇન તથા છીરી અને છરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર નેટવર્ક ઊભું કરવાનો સમાવેશ થાય છે.

પાણી પુરવઠા માટે બલીઠા, ચણોદ, મોરાઈ, કુંટા, વટાર, કરવડ, નામધા અને સલવાવ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત બલીઠામાં 31.267 કિ.મી., ચણોદમાં 9.462 કિ.મી., મોરાઈમાં 5.713 કિ.મી., કુંટામાં 10.788 કિ.મી., વટારમાં 16.685 કિ.મી., કરવડમાં 32.615 કિ.મી., નામધામાં 19.023 કિ.મી. અને સલવાવમાં 40.22 કિ.મી. પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે. આ તમામ કામો પૂર્ણ થયા બાદ કુલ 165.775 કિ.મી.નું પાણી પુરવઠા નેટવર્ક વિકસિત થશે.

આ પાણી પુરવઠા નેટવર્ક આગામી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં વિકસતા નવા રહેણાંક વિસ્તારોને પણ જરૂરી જોડાણો અને પાઇપલાઇનના વિસ્તરણ દ્વારા પાણી પુરવઠો મળી રહે તેવી જોગવાઈ રાખવામાં આવી છે.

પ્રોજેક્ટમાં SCADA સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના દ્વારા પાણીનું દબાણ સહિતના વિવિધ પરિમાણોનું સતત મોનિટરિંગ કરી શકાશે. પાણી પુરવઠા વ્યવસ્થાની દેખરેખ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેમેરાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધીકરણ માટે બલીઠા ખાતે 50 એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ આશરે 5 કરોડ લિટર ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી શકાશે. બલીઠા, છીરી, છરવાડા, સલવાવ, મોરાઈ, કુંટા અને વટાર વિસ્તારમાંથી એકત્ર થતું ઘરગથ્થુ ગંદુ પાણી અહીં વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત છીરી અને છરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા વિકસાવવા કુલ 44.53 કિ.મી. લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરીથી ગંદા પાણીના વ્યવસ્થિત નિકાલમાં સુધારો થશે અને સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

સ્થાયી સમિતિની બેઠકમાં ‘સીએમ મોડર્ન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ’ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વાપી વિસ્તાર, ચલા, સુલપડ ફળિયા, છીરી અને ચણોદ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ વેન્ડરોને યોગ્ય જગ્યા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

સરકારના સૂચન મુજબ આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આગોતરું વિકાસ આયોજન કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો અને ડ્રેનેજ સહિતના વિકાસકામો માટે જરૂરી આયોજન કરીને સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટો અમલમાં આવ્યા બાદ સંબંધિત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બનશે. સાથે જ ગંદા પાણીના સુવ્યવસ્થિત નિકાલ અને વૈજ્ઞાનિક શુદ્ધીકરણથી સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો થશે. વધતી વસ્તી અને ભવિષ્યના શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને આ કામોને વાપીની માળખાકીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

ફોટો ગેલેરી

આજનું ઈ-પેપર વાંચો