તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળિયા અને સ્મશાનભૂમિના બિસ્માર રસ્તાઓ તાત્કાલિક પાકા બનાવવા માંગ

વલસાડના તિઘરા ગામે ઉગમણા ફળિયા અને સ્મશાનભૂમિના બિસ્માર રસ્તાઓ તાત્કાલિક પાકા બનાવવા માંગ

South Republic DeskWednesday, 30 September 2026 2 મિનિટ વાંચન · 3 hr ago 0
ડૉ. નિરવ પટેલે ગ્રામજનોની રજૂઆતને પગલે તંત્રને પત્ર પાઠવ્યો; રસ્તાઓની મરામત અને કાયમી નિર્માણ માટે કાર્યવાહી નહીં થાય તો શાંતિપૂર્ણ વિરોધની ચીમકી વલસાડ : વલસાડ તાલુકાના તિઘરા ગામના મુખ્ય રસ્તાથી ઉગમણા ફળિયા–બિરસા મુંડા ચોક સુધીના આશરે ૧.૫ કિલોમીટરના માર્ગ તથા સ્મશાનભૂમિ તરફ જતા આશરે ૪૫૦ મીટરના બિસ્માર રસ્તાને તાત્કાલિક મંજૂરી આપી પાકા બનાવવાની માંગ ઊઠી…

ડૉ. નિરવ પટેલે ગ્રામજનોની રજૂઆતને પગલે તંત્રને પત્ર પાઠવ્યો; રસ્તાઓની મરામત અને કાયમી નિર્માણ માટે કાર્યવાહી નહીં થાય તો શાંતિપૂર્ણ વિરોધની ચીમકી

વલસાડ : વલસાડ તાલુકાના તિઘરા ગામના મુખ્ય રસ્તાથી ઉગમણા ફળિયા–બિરસા મુંડા ચોક સુધીના આશરે ૧.૫ કિલોમીટરના માર્ગ તથા સ્મશાનભૂમિ તરફ જતા આશરે ૪૫૦ મીટરના બિસ્માર રસ્તાને તાત્કાલિક મંજૂરી આપી પાકા બનાવવાની માંગ ઊઠી છે.

સ્થાનિક ગ્રામજનો તથા આગેવાનો મુકેશ તીઘરા અને જનક પટેલની રજૂઆતને પગલે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રશાસનને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆત મુજબ, ગામના આ મુખ્ય માર્ગો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. રોજિંદા અવરજવર કરતા સેંકડો ગ્રામજનો, શ્રમિકો, વૃદ્ધો, મહિલાઓ તથા શાળાએ જતા વિદ્યાર્થીઓને ખાડા અને કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે.

ખાસ કરીને જનકભાઈના ઘર પાસેથી સ્મશાનભૂમિ તરફ જતો આશરે ૪૦૦થી ૪૫૦ મીટરનો કાચો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાનું જણાવાયું છે. ચોમાસા દરમિયાન અંતિમયાત્રા કાઢવામાં તથા ટ્રેક્ટર કે અન્ય વાહનો લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે. સ્વજન ગુમાવ્યાના દુઃખ વચ્ચે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં પણ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું ટેકનિકલ પંચનામું કરવાની માંગ કરી છે. જનકભાઈના ઘરથી સ્મશાનભૂમિ સુધીનો રસ્તો કાયમી ધોરણે પાકો કરવા તાત્કાલિક મંજૂરી આપવા તથા ઉગમણા ફળિયા–બિરસા મુંડા ચોક સુધીના ૧.૫ કિલોમીટરના માર્ગનો ટેકનિકલ સર્વે અને માપણી કરીને ડામર અથવા સીસી રોડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

કાયમી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી ખાડા પૂરવા, મેટલ-મોરમ નાખવા તથા વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ લોકહિતના પ્રશ્ને પ્રશાસન તાત્કાલિક સકારાત્મક પગલાં નહીં લે તો તિઘરા ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે મળીને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.

આજનું ઈ-પેપર વાંચો