સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે
ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની ગેરહાજરીમાં પોલીસ તંત્ર દ્વારા સીતા વન ખાતે જઈને ખંડિત થયેલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં ગામના આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને પોલીસ વચ્ચે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયાને લઈને ભારે બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે મૂર્તિ ખંડિત કરનાર જવાબદારો સામે કાર્યવાહી કર્યા વિના પોલીસ દ્વારા પોતાની રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કાર્યવાહી કરવી યોગ્ય નથી.
પરિસ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલાં ડાંગના ધારાસભ્યની મધ્યસ્થતા કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા પોલીસ પ્રશાસનને સ્પષ્ટપણે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે સૌ પ્રથમ મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓને ઝડપી પાડવા જોઈએ અને ત્યારબાદ સ્થાનિક આદિવાસી સમાજની પરંપરા તથા સંસ્કૃતિ મુજબ જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ધારાસભ્યની મધ્યસ્થી બાદ પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચેનો વિવાદ શાંત થયો હતો. ત્યારબાદ ખંડિત થયેલી મૂર્તિઓને ત્યાંથી ઉઠાવીને ગામના હનુમાન મંદિરમાં રાખવામાં આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
જોકે, સીતા વન જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થાની જગ્યાએ બનેલી આ ઘટના અને ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનિકોની ગેરહાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહીથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકો હવે મૂર્તિ ખંડિત કરનાર શખ્સો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર મૂર્તિ ખંડિત કરવાનો બનાવ નથી, પરંતુ તેમની આસ્થા, પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો ગંભીર વિષય છે. તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારોને કાયદેસરની સજા અપાવવી જરૂરી છે.
Related Stories · સંબંધિત સમાચાર
રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…
Read moreરક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા
એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…
Read moreડાંગ જિલ્લામાં ગામેગામ મન કી બાત કાર્યક્રમનું શ્રવણ
137મા એપિસોડમાં નશામુક્ત ભારત, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને યુવાનો-દીકરીઓ માટેની તકો સહિતના વિષયો પર વડાપ્રધાનનો સંદેશ ડાંગ : સમગ્ર ડાંગ જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 137માં એપિસોડનું ગામેગામ સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો એકત્રિત થઈને સવારે 11 વાગ્યે પ્રસારિત થયેલા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક…
Read moreસેવાધામ ખાતે 176 ભાઈ-બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરાયા
સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતની વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા ખાતે ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર ભાઈ-બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતના વિવિધ લાઇફ સ્કિલ અને વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમોનું આયોજન…
Read more




