ધરમપુરના હનમતમાળ ગામની ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી
ધરમપુરના હનમતમાળ ગામની ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી
તલાટી સિવાય સંબંધિત વિભાગોના અધિકારીઓ ગેરહાજર રહેતા વીજળી, ખેતી અને રસ્તાના પ્રશ્નોની રજૂઆતમાં મુશ્કેલી
વલસાડ : ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે ગત 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી રહી હતી. જેના કારણે ગામના પ્રશ્નોની રજુઆત ન કરી શકતા ગામજનોમાં નારાજગી વ્યાપી હતી.
2જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજય સરકારે રાજ્યના તમામ ગામનોમાં ગ્રામસભા યોજવાનો આદેશ આપ્યો હતો. જેથી વલસાડ જિલ્લાના ગામોમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારના આદેશને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનુમતમાળ ગામે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગામના વિવિધ વિકાસલક્ષી અને પાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તલાટી સિવાય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.
અધિકારીઓની ગેરહાજરીને કારણે વીજળી, ખેતી, રસ્તા સહિતના પ્રશ્નોની સીધી રજૂઆત કરી તેનો ઉકેલ મેળવવામાં મુશ્કેલી પડી હતી. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઝીણાભાઈ પવાર અને સામાજિક કાર્યકર વિજયભાઈ મહાલાએ અધિકારીઓની ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ગ્રામજનોએ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે ખેતીના કામને અસર થતી હોવાની રજૂઆત કરી હતી. તેમજ ગામના રસ્તાઓ પર વાહનોની ઝડપી અવરજવરથી અકસ્માતનું જોખમ રહેતું હોવાથી જરૂરી સ્થળોએ બેરિકેટ લગાવવાની માંગ પણ કરવામાં આવી હતી.
ગ્રામસભા એ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટેનું મહત્વનું માધ્યમ છે. આગામી ગ્રામસભામાં પણ સંબંધિત અધિકારીઓ ગેરહાજર રહેશે તો સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ગ્રામસભામાં હાજર ગામજનોએ ઉચ્ચારી હતી.

