તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વલસાડ કલેકટર કચેરી સહિત જિલ્લામાં પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો

વલસાડ કલેકટર કચેરી સહિત જિલ્લામાં પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો

South Republic DeskMonday, 05 October 2026 2 મિનિટ વાંચન · 52 min ago 0
જિલ્લા કક્ષાના બે અને તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનશે વલસાડ : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ બને અને ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર મળી રહે તે હેતુથી રાજ્યવ્યાપી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો…

જિલ્લા કક્ષાના બે અને તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનશે

વલસાડ : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ બને અને ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર મળી રહે તે હેતુથી રાજ્યવ્યાપી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે વલસાડ કલેકટર કચેરી અને એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લામાં ગત શનિવારે જિલ્લા કક્ષાના બે વેચાણ કેન્દ્રો અને તાલુકા કક્ષાના ત્રણ વેચાણ કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં જિલ્લા કક્ષાના વલસાડ કલેકટર કચેરી ખાતે અને વલસાડ એપીએમસી ખાતે મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયા હતા. જ્યારે તાલુકાના કક્ષાના ૩ વેચાણ કેન્દ્રો પૈકી પારડી એપીએમસી ખાતે સાંસદ ધવલભાઈ પટેલ, નાનાપોંઢા એપીએમસી ખાતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરમાં શ્રી સિદુંબર વિભાગ ખેડૂતની સેવા સહકારી મંડળી લિ. ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, આજે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે, જે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પરંતુ તેઓની ખેત પેદાશના વેચાણ માટે પધ્ધતિસર માર્કેટ ન હતું પરંતુ હવે ખેડૂતના ખેતરમાંથી નીકળેલી ગુણવત્તાસભર અને પૌષ્ટીક ખેત પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકોને પણ વિશ્વસનીય પ્રાકૃતિક ખેત પેદાશ મળી રહે તે માટે આ વેચાણ કેન્દ્રો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

આપણા વડીલો આપણને જે ફળદ્રુપ જમીન આપી ગયા હતા તેવી જમીન હવે રહી નથી, જંતુનાશક દવા અને રાસાણયિક ખાતરના આડેધડ છંટકાવથી જમીન કઠણ બની છે. સાથે જ પેસ્ટીસાઈડના છંટકાવ વાળી કૃષિ પેદાશ આરોગવાથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનું અને આપણુ બંનેનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. પ્રાકૃતિક ખેતી તરફ વળીશુ તો લોકોને સ્વસ્થ જીવન આપવા બદલ આશીર્વાદ મળશે.

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે, આ વેચાણ કેન્દ્રોના માધ્યમથી સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશો ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધ થશે તેમજ ખેડૂતોને પોતાની પેદાશોના સીધા વેચાણ માટે યોગ્ય વ્યવસ્થા અને બજાર ઉપલબ્ધ થશે. સાથે જ ખેડૂતોને યોગ્ય વળતર પણ મળી રહેશે.

આ પ્રસંગે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ -૧ માં નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય વ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌ ખેડૂત મિત્રોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોર મેહવાલા, વાપી મનપાના કમિશ્નર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી વિમલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી

આજનું ઈ-પેપર વાંચો