ઉમરગામમાં વકીલોએ ગુજરાત ભાડા વિધેયક-2026ની હોળી કરી વિરોધ નોંધાવ્યો
ઉમરગામમાં વકીલોએ ગુજરાત ભાડા વિધેયક-2026ની હોળી કરી વિરોધ નોંધાવ્યો
વહેલી તકે વિધેયક પરત ખેંચવા માંગ, કલેક્ટરને સિવિલ કોર્ટની સત્તા આપવાની જોગવાઈ સામે વાંધો
ઉમરગામ : ઉમરગામ બાર એસોસિએશનના વકીલોએ ગુજરાત ભાડા વિધેયક-2026 તથા તેના સંબંધિત પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી વકીલોએ વિધેયકની હોળી કરી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર વહેલી તકે આ વિધેયક પરત ખેંચે અથવા રદ કરે તેવી માંગ કરી હતી.
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા અદાલતની કામગીરી અને તેને આપવામાં આવનારી સત્તાઓ અંગે છે. ખાસ કરીને સિવિલ કોર્ટની કલમ 33 હેઠળની સત્તાઓ કલેક્ટરને ભાડા અદાલત તરીકે આપવાની જોગવાઈ સામે વકીલોએ ગંભીર વાંધો વ્યક્ત કર્યો હતો.
ઉમરગામ બાર એસોસિએશને વલસાડ જિલ્લાના અન્ય બાર એસોસિએશનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને પણ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. હડતાળ દરમિયાન પક્ષકારોના કેસને નુકસાન ન થાય તે માટે કોર્ટ સમક્ષ જરૂરી રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ વિરોધ કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિતના હોદ્દેદારો તેમજ અનેક સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા. વકીલોએ સરકાર વિધેયક અંગે પુનર્વિચાર કરી તેને વહેલી તકે પરત ખેંચે તેવી માંગ કરી હતી.

