વલસાડ જિલ્લામાં આંગણ મિલન સેવા કાર્યક્રમની પૂર્ણાહૂતી
વલસાડ જિલ્લામાં આંગણ મિલન સેવા કાર્યક્રમની પૂર્ણાહૂતી
આંગણોત્સવમાં ૫૮,૧૪૯ લોકોએ ભાગ લીધો, જિલ્લાની ૧૯૧૬ આંગણવાડીમાં વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
વલસાડ : વલસાડ જિલ્લામાં ગત ૨૫મી સપ્ટેમ્બરથી ૩જી ઓક્ટોબર દરમિયાન આંગણ મિલન સેવા એટલે કે આંગણોત્સવ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ અને ઘટકમાં આવેલી આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.
વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમને કુલ ૧,૯૧૬ આંગણવાડી કેન્દ્રો પરથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. સમગ્ર જિલ્લાભરમાંથી કુલ ૫૮,૧૪૯ જેટલા નાગરિકો, માતાઓ, બાળકો અને લાભાર્થીઓ આ આંગણોત્સવમાં સક્રિયપણે સહભાગી થયા હતા. ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, પારડી, ઉમરગામ, વલસાડ અને વાપી સહિતના તમામ વિસ્તારોમાં મળીને કુલ ૧,૯૧૬ આંગણવાડીઓમાં કુલ ૫૮,૧૪૯ લાભાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
આંગણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વીએચએસએનસીના સદસ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ આકર્ષક અને ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમકે, આંગણવાડી પર ફળ અને મીઠાઈ / સુખડીનું વિતરણ, બાળગીતો, બાળ-વાર્તાઓ, રમતો અને ચિત્રકામની પ્રવૃત્તિઓ, માતાઓ અને કિશોરીઓ સાથે આરોગ્ય, પોષણ અને બાળ ઉછેર અંગે વિસ્તૃત ચર્ચા, માર્ગદર્શન સભા યોજાઈ, ઉત્તમ કામગીરી કરનાર અને નિયમિત રહેનાર બાળકો/માતાઓને પોષણ ચેમ્પિયન એવોર્ડ આપી સન્માનિત કરાયા.
પૌષ્ટિક આહારનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરાયું. મુખ્યમંત્રીના પ્રેરણાત્મક સંદેશનું વાંચન અને વિતરણ કરવામાં આવ્યું અને આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કર્સની ઉત્કૃષ્ટ સેવાઓ અને કામગીરી બદલ તેમનું સન્માન પત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

